મોહનથાળ  બંધ કરાવવા મામલે વિવિધ સંગઠનો વિરોધ વ્યક્ત કરી રહી છે તેમજ અંબાજીમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈ દિવસેને દિવસે વિવાદ વધુ વધતો હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. જે સમગ્ર ઘટનાને લઈ વિવિધ નેતા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. ત્યારે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે જે સમગ્ર મામલે ફેસબુકમાં પોસ્ટ લખી સ્પસ્ટતા કરી છે કે, તેમના નામે ખોટા મસેજ વાયરલ થયા છે.
ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે સ્પષ્ટતા કરી છે કે, વોટ્સએપ પર ફોરવર્ડ થઈ રહેલ સદંતર ખોટા મેસજમાં અંબાજી ખાતે રજનીભાઈ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને બંધ કરાવી ચીક્કીનો પ્રસાદ શરૂ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે જે તદ્દન પાયાવિહોણા મેસેજ છે. તેમણે લખ્યું છે કે, મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી, શરમ અને દુઃખની વાત છે કે દેશના પ્રમુખ યાત્રાધામોમાં આવતું જગતજનની માં અંબાના આસ્થાસ્થાન ને રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરાઈ રહ્યો છે માં અંબા આવા લોકોને સદબુધ્ધિ આપે એજ પ્રાર્થના તેમ તેમણે લખ્યું છે.
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતુ. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ હતી. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી હતી.
ચિકીનો પ્રસાદ આપવાનો લેવાયો નિર્ણય
અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચિકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પૂરતી તો બંધ કરવામાં આવી છે.
મોહનથાળનું મહત્વ શું?
મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ જૂની
મોહનથાળ જ માતાજીના પ્રસાદની આગવી ઓળખ
મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે પ્રસાદની પરંપરા
મોહનથાળના પ્રસાદ સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી
વર્ષોની પરંપરા મુજબ માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બને છે
ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી
મોહનથાળના પ્રસાદમાં કોઈ કેમિકલ કે રંગ નાખવામાં આવતો નથી
કેમિકલ અને રંગ વિના પ્રસાદ સ્વાદિષ્ટ બને છે
પ્રસાદમાં ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી
પ્રસાદમાં ચિકી જ કેમ?
ચિકીના સૂકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે
અમૂલ બ્રાન્ડ હોવાથી ચિકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે
સોમનાથ, તિરુપતિ સહિતનાં મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે
મંદિરોની માંગ જોઈને અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો.
			

                                
                                



