માર્ચ મહિનામાં જાણે કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેમ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું થઇ રહ્યું છે. આવામાં આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 24 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદમાં હળવો વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં પલટો અને ઉનાળાના પ્રારંભે કમોસમી વરસાદેથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. એક ખેડૂતોને તેના પાક અને જણસીના પૂરતા ભાવ નથી મળી રહ્યાં ત્યારે કુદરત પણ તેનો કહેર વરસાવી રહી છે. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. માવઠાના કારણે ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ઘઉ, જીરૂ, રાયડો, કેરી, તમાકુ, કપાસ, ધાણાના પાકને નુકસાન થવા પામ્યું હતું. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતે મુકેલ માલ પણ વરસાદમાં પલળી જવા પામ્યો હતો. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં ગઈકાલે હોળી પ્રગટાવવાના સમય પહેલા જ અલગ-અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજનના રંગમાં ભંગ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હોલિકા દહનના પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું. તો કેટલીક જગ્યાએ હોળીને પ્લાસ્ટિકના કવર કે છત્રીથી ઢાંકવાની ફરજ પડી હતી.