મોરબી: 11-12મીએ ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે કેન્સર નિદાનનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે
મોરબીના શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી 11 અને 12 માર્ચના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તેમના સુપુત્રી નેહલબેન વિદિતભાઇ શાહના શુભ લગ્ન પ્રસંગે આ કેમ્પ માટે આર્થીક સહયોગ પ્રદાન કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તા.11 અને તા. 12 એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે ફ્રી માં કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં શનિવારે સાંજે 04:00થી 07:00 વાગ્યા દરમિયાન અને રવિવારે સવારે 09:00થી 12:00 વાગ્યા દરમિયાન દર્દીઓનું વિનામૂલ્યે નિદાન થશે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.
જેમા લોકોનું વિનામૂલ્યે નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ નોંધાવવાનું રહેશે. તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.