અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાના નિર્ણય બાબતે છેલ્લા એક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, હવે અંબાજીમાં મોહનથાળ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના કલેકટરે જણાવ્યું હતું કે સોમનાથમાં જે રીતે ચિકી અપાય છે એ જ રીતે અને એ જ કોન્ટ્રાકટર પાસેથી ચિકી આપવાની વાત છે. જો કે સોમનાથ મંદિરમાં પરંપરા નથી છતાં ચિકીની સાથે મોહનથાળ આપવામાં આવે છે પરંતુ અંબાજીમાં પરંપરા છે તેમ છતાં મોહનથાળ બંધ કરીને માત્ર ચિકી આપવામાં આવી રહી છે. હાલ સોમનાથના ટ્રસ્ટી છે PK લહેરી, તેઓ 1975થી 78ની સાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા છે. અને તેમના કાર્યકાળ સમયમાં જ મંદિર તરફથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો.
PK લહેરીએ કહ્યું મોહનથાળના પ્રસાદનું વિતરણ ખૂબ સરસ ચાલતું હતું
PK લહેરીએ એમ પણ કહ્યું હતું કે હું ચેરમેન હતો તે જ સમયે આ મોહનથાળનો પ્રસાદ મંદિર તરફથી શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી ખૂબ સરસ રીતે આ પ્રસાદ ચાલતો હતો, અને 46 વર્ષથી આ પ્રસાદ વિતરણનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પહેલા પાંચ રૂપિયાનું પેકેટ મળતું હતું અને હજુ પણ સારી રીતે ચાલતું હતું પણ આ કેમ બંધ કરવામાં આવ્યું છે તેની કોઈ વિગત મળતી નથી.