ભાવનગર તા.૧૦
દાંડિયારાસ કાર્યક્રમ બાદ બે માસિયાઈ ભાઈ બાઈક ઉપર બનેવીને ચાવી આપવા જતા હતા ત્યારે અકસ્માત નડ્યો
ભાવનગરના ડોન ચોકમાં ગત મોડી રાત્રીના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં ભાવનગરના આનંદનગરમાં રહેતા મામાના ઘરે લગ્ન પ્રસંગે આવેલ જૂનાગઢના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું,જ્યારે બાઈક સવાર અન્ય એક યુવકને ઇજા થઇ હતી.બાઇકને ટક્કર માર્યા બાદ કાર ડોન ચોકમાં આવેલ મુરલીધર પાનના ઓટલા સાથે અથડાઈ હતી.અકસ્માત બાદ કાર છોડી તેનો ચાલક જતો રહ્યો હતો.અકસ્માતના પગલે આનંદનગરના પરિવારમાં લગ્નપ્રસંગનો આનંદ માતમમાં ફેરવાયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના આનંદનગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે રહેતા કમલેશભાઈ દેવજીભાઈ વાઘેલાના પુત્ર અંકિતના લગ્ન પ્રસંગે જૂનાગઢમાં રહેતા કમલેશભાઈના બહેન મીનાક્ષીબહેન,બનેવી અનિલભાઈ જેન્તીભાઈ ગોહિલ,ભાણેજ ભાગ્યેશ,જાનવીબહેન સહિતના આવ્યા હતા.
ગત રાત્રીના અંકિતના લગ્ન પ્રસંગે દાંડિયારાસનો કાર્યક્રમ પૂર્ણ થતાં ૧૧.૪૫ વાગ્યા આસપાસ ભાગ્યેશ અને તેનો માસિયાઈ ભાઈ ધ્રુવ મોટરસાઇકલ નં. જી.જે.૦૪,ડી.ક્યુ.૪૨૨૨ લઈને રાધામંદિર પાસે આવેલ બ્લીસ હોટલમાં તેમના બનેવી વિનાયકભાઈને હોટલના રૂમની ચાવી આપવા માટે નીકળ્યા હતા ત્યારે ડોન ચોકમાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર નં. જી.જે.૦૪ સી.એ.૭૩૭૬ ના ચાલકે બાઇકને અડફેટે લીધા બાદ કાર ડોન ચોકમાં આવેલ મુરલીધર પાનના ઓટલા સાથે અથડાઈ હતી.અકસ્માત બાદ કાર છોડી ચાલક જતો રહ્યો હતો.
અકસ્માતની આ ઘટનામાં ભાગ્યેશ અનિલભાઈ ગોહિલ ( ઉં. વ.૩૦ ) ને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો.જ્યારે ધ્રુવ કીર્તિભાઈને પણ નાનીમોટી ઇજા થઇ હતી.
લગ્નપ્રસંગે અકસ્માતમાં યુવાનનું મોત થતા આનંદનગરના પરિવારમાં લગ્નનો આનંદ શોકમાં ફેરવાયો હતો.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા અનિલભાઈએ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.