ભાવનગર,તા.૧૩
પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાઈ ગયું જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે દેશ દુનિયામાં આજે ભારતમાં બનતું નેનો યુરિયાની માંગ વધી છે તો સાથો સાથ ભારતમાં ખેડૂતો યુરિયા કરતા સસ્તા ભાવે નેનો યુરિયા ખરીદી કરીને તેનો ઉપયોગ કરે છે તેઓ ભાવ સસ્તો હોવાને લીધે બચત કરતા થયા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, જે ગામમાં યુરિયાની એક પણ થેલી વહેચાય નહી અને નેનો યુરીયાનો જ ઉપયોગ બધા ખેડૂતોએ કર્યો હોય એ ગામને પાંચ લાખની ગ્રાન્ટ આપવાનું જાહેર કર્યું હતું. ખેડૂતોને યુરિયાનો વપરાશ કરવાથી જે ઉત્પાદન આવે એ જ નેનો યુરિયાના વપરાશથી થાય છે એમાં ધટાડો થયો નથી, આવનારા નવા બદલાવને લોકોએ સ્વીકારવો જાઈએ.
આ તકે ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે, વિદેશથી આયાત કરેલ યુરિયા ખેડૂતો સુધી પહોંચતા ખૂબ જ મોંઘી ના પડે તેથી સરકાર સબસિડી આપે છે તો પણ ખેડૂતોને યુરિયા મોંઘુ પડતું હોય એ ધ્યાને આવતા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત દેશમાં જ યુરિયા બનાવવાનો વિચાર દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો આમ, ભારતમાં જ યુરિયાનું ઉત્પાદન થાય તે કામ ખૂબ જ અઘરું હતું ત્યારે ઇફકોએ આગેવાની લીધી આજે આપડે ગુજરાતમાં જ નેનો યુરિયા બનાવી શકીએ છીએ.
આ તકે ઉપસ્થત ઇફકો ન્યુ દિલ્હીના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે દેશમાં જ નેનો યુરિયા ખાતર બનાવવાની પહેલ શરૂ કરી છે એટલે હવે ઇફકો દ્વારા બનાવેલ નેનો યુરિયાથી હવે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડશે નહિ.
પાલિતાણામાં ૨૫૦ બેડની સરકારી હોસ્પિટલ સાથે નિર્માણ પામશે મેડિકલ કોલેજ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થતિમાં યોજાયેલા સહકારી સંમેલનમાં પાલિતાણામાં ૨૫૦ બેડની સરકારી હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ બનશે અને ૨૦૦ કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ટુંક સમયમાં ખાતમુહૂર્ત થશે તેમ કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.માંડવીયાએ જાહેરાત કરી હતી. તેમણે કહયુ હતુ કે ભાવનગરની સર ટી. હોસ્પિટલ જેવી હોસ્પિટલ પાલિતાણામાં બનાવવામાં આવશે જે માટે ઘેટી રોડ ઉપર સીડ ફાર્મવાળી જગ્યામાં ૨૫૦ બેડની સરકારી હોસ્પિટલ બનશે સાથો સાથ મેડીકલ કોલેજ પણ બનશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી ૨૦૦ કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. આ નવી હોસ્પિટલના બાંધકામ અંગેની ટેન્ડરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. સરકારી હોસ્પિટલ વિશાળ જગ્યામાં બનશે અને તેની સાથોસાથ મેડિકલ કોલેજ પણ બનશે.