ભાવનગર, તા.૧૫
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે જ્યારે આજે સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને બપોર સુધી હજુ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. દરમિયાન રાત્રિના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવા પામ્યો છે અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રીએ પહોંચી ગયુ છે જેમ અને સરેરાશ ભેજનું પ્રમાણ 43% રહેતા બફારાનુ પ્રમાણ વધવા પામ્યુ છે.
ઉનાળાની સિઝનના પ્રારંભ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભાવનગર શહેર જિલ્લામાં વાતાવરણ પલટાયુ છે. અને હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહીઓ પણ કરવામાં આવી છે. જેના પગલે બે દિવસ પૂર્વે જિલ્લાના મહુવા અને જેસર પંથકમાં કમોસમી માવઠા પડ્યા હતા. દરમિયાન આવતીકાલથી બે દિવસ માટે ફરીથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી માવઠાની આગાહીના પગલે આજે બુધવારે સવારથી જ ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને બપોર સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. ફરીથી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જોકે અગાઉ ફૂકાયેલા પવન અને વરસાદના કારણે કેરી તથા ઘઉના પાકને ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.