શહેરના વિશાલા સર્કલ નજીક હત્યાનો બનાવ બન્યો છે. વિશાલા સર્કલ નજીક આવેલા રાજયશ મોલમાં સાંજના સમયે યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઇ હતી. મોહમ્મદ કૈફ નામનો યુવક તેના મિત્રો સાથે રાજયશ મોલમાં ફરવા માટે આવ્યો હતો, ત્યારે કેટલાક લોકો સાથે ગેમ ઝોનમાં બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ યુવકને માર માર્યો હતો અને બાદમાં છરી મારી દેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં વાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની તજવીશ શરૂ કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતા.
મળતી માહિતી અનુસાર, મૃતક યુવક તેના મિત્રો સાથે મોલમાં ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મ જોયાં બાદ તેઓ ગેમ ઝોનમાં પુલ ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ભૂલથી અન્ય એક યુવકને પૂલની સ્ટિક અડી ગઇ હતી. જે મામલે બે ગ્રુપ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને યુવકને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપડ્યું હતું.





