રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના સૌથી જૂના કર્મચારી મનોજ મોદીને 1500 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીના જમણા હાથ માનવામાં આવે છે અને કહેવાય છે કે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દરેક ડીલમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મનોજ મોદી વર્ષ 1980માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતા અને ત્યારથી કંપની સાથે જ છે. રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળતા મનોજ મોદી લાઈમલાઈટથી દૂર રહે છે.
અંબાણી પરિવારે મનોજ મોદી માટે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની ઈમારત ખરીદી છે. આ ઇમારત નેપિયન સી રોડ પર આવેલી છે અને ઘરનું નામ વૃંદાવન છે. 22 માળની આ ઇમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. અહેવાલો અનુસાર, પ્રોપર્ટીની કિંમત 1500 કરોડ રૂપિયા છે અને ઘરનું કેટલુંક ફર્નિચર ઇટલીથી મંગાવ્યું છે.
22 માળની આ બિલ્ડીંગમાં પહેલા સાત માળ કાર પાર્કિંગ માટે આરક્ષિત છે. મનોજ મોદીની બિલ્ડિંગનો દરેક માળ 8,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. નેપિયન સી રોડ એ દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ નજીક એક અપ-માર્કેટ વિસ્તાર છે. આ વિસ્તાર તેની હરિયાળી જગ્યાઓ માટે જાણીતો છે. આ સ્થળ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવે છે. મતલબ કે મનોજ મોદીનું આ ઘર ત્રણ બાજુથી સી ફેસિંગ છે.
મુકેશ અંબાણી અને મનોજ મોદીએ સાથે અભ્યાસ કર્યો હતો
મનોજ મોદી અને મુકેશ અંબાણી બેચમેટ છે. બંનેએ મુંબઈ યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સાથે અભ્યાસ કર્યો છે. મનોજ મોદી 1980ના દાયકાની શરૂઆતમાં રિલાયન્સમાં જોડાયા હતા, જ્યારે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી કંપનીનું નેતૃત્વ કરતા હતા. અહેવાલો અનુસાર, મનોજ મોદી દાયકાઓથી મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના મિત્ર છે. મનોજ મોદી હવે મુકેશ અંબાણીના બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી સાથે મળીને કામ કરી રહ્યા છે.






