ભેળસેળની તપાસ
દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈઓમાં ભેળસેળને ચકાસવા માટે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દેશભરના તેના 4,000 રાજ્ય સ્તરના અધિકારીઓને મીઠાઈના છૂટક વિક્રેતાઓ અને ઉત્પાદકો પર દેખરેખ સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં, દૂધમાં સૌથી વધુ ભેળસેળ થાય છે અને મોટાભાગની મીઠાઈઓ દૂધના પ્રોડક્ટમાંથી બનાવવામાં આવે છે.
FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જી. કમલા વર્ધન રાવે કહ્યું કે, “સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈનો વપરાશ વધી જાય છે. અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમારા અધિકારીઓને મીઠાઈમાં ભેળસેળને રોકવા માટે દેખરેખને સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે.” તેમણે કહ્યું કે, રાજ્યના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને દુકાનોનું નિરીક્ષણ કરવા અને ગુણવત્તા ચકાસવા માટે નમૂનાઓ એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. ગુણવત્તાના માપદંડોનું પાલન ન કરનાર સામે યોગ્ય પગલાં લેવા પણ કહેવામાં આવ્યું છે.
સર્વેલન્સ નમૂનાઓની સંખ્યામાં વધારો
દરમિયાન, FSSAIએ આ વર્ષે સર્વેલન્સ સેમ્પલની સંખ્યા વધારીને એક લાખ કરી છે અને આવતા વર્ષે તે વધીને સાત લાખ થશે. અધિકારીએ એમ પણ કહ્યું કે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દૂધ અને દૂધના પ્રોડક્ટની ગુણવત્તા ચકાસવા માટે સંયુક્ત રીતે રાષ્ટ્રીય સરવે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરવેમાં લગભગ 10,000 સેમ્પલ લેવામાં આવશે. આ સરવે એક મહિનામાં પૂર્ણ થશે.