ભાવનગર તા.૨
સિહોરમાં આવેલી મુથુટ ફિનકોર્પ લિમિટેડ કંપનીની બ્રાન્ચમાં સોનાનો ઢોળ ચડાવેલા નકલી દાગીના ઉપર રૂ. ૨૧.૨૫ લાખની ૧૬ જેટલી લોન મેળવી છ શખ્સોએ લોન નહીં ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા કંપનીના એરિયા મેનેજરે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ મુથુટ ફિનકોર્પ લિમિટેડ કંપનીની બ્રાન્ચમાંથી સોનાના ઘરેણા ઉપર નિલેશભાઈ ચેતનભાઇ રાઠોડ ( રહે. ઉંડવી ) જનકબેન ચેતનભાઇ રાઠોડ ( રહે ઉંડવી ) રવિભાઈ ચેતનભાઇ રાઠોડ ( રહે. ઉંડવી ) હમીરભાઈ બાલાભાઈ પરમાર ( રહે. શિહોર ) અમિતભાઈ મેઘજીભાઈ મકવાણા ( રહે.સિહોર ) અને વિપુલ પ્રભાતભાઈ સોઢા ( રહે. સિહોર ) વાળાઓએ વર્ષ ૨૦૨૧ માં બનાવટી ઘરેણા ઉપર સોનાનો ઢોળ ચડાવેલા નકલી ઘરેણા જમા કરાવી કુલ ૧૬ જેટલી લોન, જેની કિં.રૂ. ૨૧,૨૫,૧૩૯ મેળવી હતી.
કંપનીના ઓડિટ દરમિયાન આ છ લોન લેનાર વ્યક્તિઓએ બનાવટી ઘરેણા રજુ કર્યા હોવાનું ખુલતા કંપની દ્વારા લોન ધારકોનો સંપર્ક કરી અસલી ઘરેણા જમા કરાવવા તેમાંથી લોનની રકમ જમા કરાવવા જણાવેલ,પરંતુ લોનધારકોએ અસલ ઘરેણા તેમજ લોન જમા નહીં કરાવી કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા કંપનીના એરિયા મેનેજર કૃણાલભાઈ રાજેશભાઈ ઉપાધ્યાએ તમામ છ લોન ધારકો વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



