મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે ત્યાં ફરી માલિની પટેલ અને કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના જોધપુર ગામે રહેતા અને બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ પટેલને વર્ષ 2017માં કિરણ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. એ સમયે કિરણે ભરતભાઈને PMO ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેણે ભરતભાઈને ઘણી મોટી મોટી વાતો કરી હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ સુધીની ઓળખાણ હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈએ કિરણની ફાંકાફોજદારી સાચી માની લીધી હતી
ભરતભાઈ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)માંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કિરણ પટેલને કરી હતી. જે બાદ કિરણ પટેલે તેમને થોડા જ દિવસોમાં લાયસન્સ કઢાવી આપવાનો વાયદો આપ્યો હતો. થોડા દિવસ બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈ પટેલને સોલા એચસીજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન તેઓએ ભરતભાઈને પ્રોસિજર ફી તરીકે રૂ.40થી 45 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભરતભાઈએ બંનેને 42.86 લાખ રૂપિયા આપ્યા હતા.
લાંબા સમય સુધી GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)નું લાયસન્સ ન આવતા તેમણે કિરણ પટેલને ફોન કર્યા હતા. જોકે, તેણે ફોન ઉપાડ્યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડી રહ્યો નહોતો. આખરે કંટાળીને તેઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીમાં તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની અરજી આવી નથી. જેથી તેણે કિરણ પટેલનો કોન્ટેક્ટ કરીને પૈસા પાછા માંગ્યા હતા. જોકે, કિરણ અને માલિનીએ 11.75 લાખ પાછા આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત આપ્યા નહોતા. જેથી હવે સમગ્ર મામલો સામે આવતા ભરતભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને મહાઠગ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.




