વિપક્ષી એકતાના પ્રયાસો મજબુત થઇ રહ્યા છે તે સમયે નીતિશકુમાર ફરી એક વખત દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષી એકતાના પ્રયાસ માટે દેશભરમાં પ્રવાસ કરશે.
કેજરીવાલે ટવીટ કરીને જણાવ્યું કે, તેઓ આજે પશ્ચિમ બંગાળ પહોંચી રહ્યા છે. દિલ્હીમાં જે રીતે કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની સતાઓને કાપવા માટે વટહુકમ બહાર પાડયો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને અવગણીને આગળ વધી રહી છે તે સમયે કેજરીવાલે એક ટવીટ કરીને લખ્યું કે ‘આજ સે દેશભર મેં નિકલ રહા હું, દિલ્હી કે લોગો કે હકક કે લિએ’ કેજરીવાલ આજે કોલકતા પહોંચી રહ્યા છે જયાં મમતા બેનર્જીને મળશે.
ખાસ કરીને કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તે લોકસભામાં મંજૂર થઇ જશે પરંતુ રાજયસભામાં વિપક્ષો એક થાય તો સરકાર માટે તે ખરડો મંજૂર કરાવવો મુશ્કેલ બની જશે અને કેજરીવાલ તે મુદ્દે વિપક્ષોને એક કરવા માંગે છે. નીતિશકુમાર અને ડેપ્યુટી તેજસ્વી યાદવ દિલ્હીમાં છે અને મમતા સાથે મુલાકાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સીધા મુંબઇ પહોંચશે અને ત્યાં તેઓ એનસીપીના વડા શરદ પવાર તથા શિવસેના ઉધ્ધવ ઠાકરે જુથના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને મળશે.




