દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ મંગળવારે ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી. ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ વગેરે કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. વળી આ માર્ચમાં ખાપના પ્રતિનિધિ, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કેન્ડલ માર્ચમાં હાજર હતા.
કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ ઉઠાવી હતી. કેન્ડલ માર્ચ બાદ મહિલા કુસ્તીબાજોએ એલાન કરતા કહ્યું કે, 28 મેના રોજ નવી સંસદની સામે મહિલા મહાપંચાયત યોજાશે. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે, અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી અમારી બહેન-દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ રહેશે. ઘણા લોકો આ ચળવળને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.
વિનેશ ફોગાટે કહ્યું કે, અમારા વડીલોએ નક્કી કર્યું છે કે 28 મેના રોજ નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત યોજાશે. આ મહાપંચાયતનું નેતૃત્વ માત્ર મહિલાઓ કરશે પરંતુ યુવાનો પણ અમારી સાથે હશે. વિનેશ ફોગાટે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. રેસલર સાક્ષી મલિકે લોકોને અપીલ કરતા કહ્યું કે, આ દેશની દીકરીઓની લડાઈ છે જેમાં તમારે બધાએ અમારો સાથ આપવાનો છે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે, પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.





