રાજ્યમાં અત્યાર 42થી 43 ડિગ્રી ગરમી લોકોને દઝાડી રહી છે. ગરમીના ભારે પ્રકોપથી લૂ લાગવાના કિસ્સામાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને શનિવારથી થોડી ઘણી રાહત મળશે. હવામાન વિભાગે શુક્રવારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો માટે આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.





