ભાવનગર, તા.૩૧
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તારીખ 31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યનું પરિણામ 73.27% અને ભાવનગર જિલ્લાનું 81.13 ટકા જેટલુ ઊંચુ પરિણામ આવ્યું હતું. જોકે ભાવનગર જિલ્લાનું આટલુ ઊંચુ પરિણામ હોવા છતાં ગત વર્ષ કરતાં 12% જેટલું ઓછું નોંધાયું છે ગત વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામ ૯૦.૦૯ ટકા આવ્યું હતું.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સૌ પ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આજે તારીખ 31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર બુનિયાદીનું પરિણામ જાહેર કરાયું છે જેમાં રાજ્યનું પરિણામ 73.27% અને ભાવનગર જિલ્લાનું 81.13 ટકા પરિણામ નોંધાયું છે ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 20,790 વિદ્યાર્થીઓ પૈકી 20,724 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 81.13 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 132 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવવી ઉત્તિર્ણ થયા છે.
ભાવનગર જિલ્લાના જાહેર થયેલા 81.13 ટકા પરિણામમાં સૌથી વધુ તલગાજરડા કેન્દ્રનો 91.43 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછુ ગારીયાધાર કેન્દ્રનુ 69.23% પરિણામ નોંધાયું છે. ભાવનગર જિલ્લામાં 132 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે 1566 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ સાથે તેમજ બી વન ગ્રેડમાં 3,449, બી-2 ગ્રેડ માં 4422, સી-1 ગ્રેડમાં 4247 તેમજ સી-2 ગ્રેડમાં 2639 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.
ભાવનગર જિલ્લામાં કોરોના બાદ ગત વર્ષે 2022 માં લેવાયેલી પરીક્ષામાં 90.09 ટકા પરિણામ આવ્યુ હતુ જ્યારે આ વર્ષે 2023 માં 81.13% પરિણામ આવતા ગત વર્ષ કરતાં પરિણામમાં 12% જેટલો ઘટાડો નોંધાયો છે.
સવારે 8:00 વાગે પરિણામ ઓનલાઇન જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ નંબર પર whatsapp થી પરિણામ મેળવી લીધું હતું અને સવારે જ વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ મળી ગયું હતું ઉત્તેજ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.





