મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે સરેરા ગામથી મોદા જવાના રોડ પર આવેલી ખુલ્લી પડતર જગ્યામાં રેડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી મુજબ, કેટલાક ઈસમો બેટરીના અંજવાળે ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા.જેને રેડ કરી રોકડ અને મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટા ખુંટવડા પોલીસે પંચોને સાથે રાખીને બાતમીવાળા સ્થળે રાત્રે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ભુપતભાઈ કાછડ, ગોરધનભાઈ બગડા, રમેશભાઈ ભાલીયા, મુસ્તાકભાઈ દલ, શાંતીભાઈ ખુમાણ અને મીતાલીબેન બારૈયા સહિત કુલ છ ઈસમો જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ૫૨ ગંજીપત્તાના પાના, એક બેટરી અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૨,૬૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંચ પુરુષ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મહિલા આરોપીના કેસમાં સુર્યાસ્તનો સમય હોવાથી કાયદાકીય જોગવાઈઓ મુજબ સવારે પોલીસ સ્ટેશને હાજર રહેવા સમજ આપવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.




