પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં બે પ્રકારની વિચારધારાઓ ચાલી રહી છે. જેમાંથી એક નથુરામ ગોડસેની વિચારધારા છે તો બીજી મહાત્મા ગાંધીની. અમે મહાત્મા ગાંધીની વિચારધારાને લઈને આગળ વધી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં અલગ અલગ વિચારધારાઓની લડાઈ થઈ રહી છે. એક ભાજપની અનેક એક કોંગ્રેસની. એક તરફ નથુરામ ગોડસેની વિચારધારા છે તો બીજી બાજુ મહાત્મા ગાંધીની વિચારધારાને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. ગાંધીજીએ અંગ્રેજો સામે લડત લડી જેઓ તે સમયે અમેરિકાથી પણ મોટી તાકાત હતા. અમે લોકો ગાંધી, આંબેડકર, પટેલ, નહેરુની રાહ પર આગળ ચાલી રહ્યા છીએ.
ભારતમાં વર્તમાન રાજકારણની સ્થિતિ પર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કાર ચલાવતી વખતે તમે હંમેશા પાછળ જોઈ શકતા નથી. અકસ્માત થઈ જાય છે. પીએમ મોદી, ભાજપ અને આરએસએસ સાથે આ જ મુશ્કેલી છે તેઓ હંમેશા ભૂતકાળની વાત કરે છે અને હંમેશા કોઈ બીજા પર આરોપ લગાવવાનું વિચારે છે. ભાજપ અને આરએસએસ પાસે ભવિષ્યને જોવાની ક્ષમતા નથી. તેમને કઈ પણ પૂછો તેઓ ભૂતકાળમાં જુએ છે. ઓડિશા રેલ અકસ્માત પર સવાલ પૂછો તો કહેશે કે કોંગ્રેસે 50વર્ષ પહેલા એવું કામ કર્યું હતું જેના કારણે આ અકસ્માત થયો.
પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી મહોબ્બત કી દુકાનનો પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે હું અહીં મન કી બાત નહીં કરું. મને એ વાતમાં વધુ રસ છે કે અસલમાં તમારા મનમાં શું છે. તેમણે વધુમાં કહ્યું કે તેમનું કામ નફરત ફેલાવવાનું છે અને અમારું કામ પ્રેમ વહેંચવાનું છે. અમે તમારું કામ શું કામ કરીએ, અમે તો અમારું કામ કરીશું. ભારતમાં આ બધાને લઈને પડકારો છે. આજનું ભારત આધુનિક ભારત મીડિયા અને લોકતંત્ર વગર રહી શકે નહીં. અહીં એવા લોકો છે જે પ્રેમ અને મહોબ્બતમાં વિશ્વાસ કરે છે. તમે અહીં રહો તો 24 કલાક મહોબ્બતવાળા હિન્દુસ્તાનને સાથે લઈને ચાલો છે.
રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ પ્રવાસમાં તેમની સાથે છે. તેમાં તેલંગણા કોંગ્રેસના પ્રમુખ એ રેવંત રેડ્ડી, હરિયાણાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા, પ્રવક્તા અલકા લાંબા, સામ પિત્રોડાની સાથે અન્ય અનેક કોંગ્રેસ નેતાઓ છે. જેવિટ્સ સેન્ટરમાં રાહુલ ગાંધીનું સ્વાગત જોડો જોડોના નારા સાથે થયું. આ કાર્યક્રમમાં વચ્ચે હમારા નેતા કૈસો હો..વાળો નારો પણ લાગ્યો.
કાર્યક્રમની શરૂઆતમાં રાહુલ ગાંધી અગાઉ ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આજે તમે જે પણ જોઈ રહ્યા છો તેના બીજ કોંગ્રેસ શાસનમાં રોપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ રાહુલ ગાંધીને જોઉ છું ત્યારે એ ભૂલી જાઉ છું કે હું રાજીવ ગાંધીને જોઉ છું કે રાહુલ ગાંધીને. સામ પિત્રોડાએ કહ્યું કે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા રસ્તે ચાલવું. ભાજપ કે કોંગ્રેસ…તેમણે એમ પણ કહ્યું કે આગામી ચૂંટણી નિર્ણાયક બનવાની છે.




