ભારતમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ વધુ ઢીલમાં પડયો હોય તેમ હવામાન વિભાગે કેરળમાં તેનું આગમન થવામાં હજુ બે-ત્રણ દિવસ લાગી જવાની આગાહી કરી છે. દરીયાઈ સીમામાંથી પ્રવેશી ગયુ હોવા છતાં કેરળનાં કાંઠે પહોંચવામાં સમય લાગશે. જોકે તેના આગળ ધપવાનાં સંજોગો સાનુકુળ હોવાથી તથા કોઈ વિઘ્ન કે અવરોધ સર્જાવાની શકયતા નથી. ભારતમાં સામાન્ય રીતે નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ 1લી જુને થતો હોય છે.આ વખતે 4થી જુને થવાની આગાહી હવામાન વિભાગે અગાઉ જ કરી દીધી હતી
આ તારીખ-દિવસ પણ પસાર થઈ ગયો છે અને હવે હવામાન વિભાગે કેરળમાં આગમન 7 થી 8 જુને થવાની સંભાવના દર્શાવી છે.ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ચોમાસું 7 જુને કેરળ-પહોંચવાનું જણાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગનાં રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે ચોમાસુ કેરળ તરફ આગળ ધપવાના સંજોગો સાનુકુળ છે. દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ર્ચિમી પવન રવિવારથી તેજ બની ગયો છે. પરીણામે સ્થિતિ સાનુકુળ થઈ રહી છે. સમુદ્રી સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈએ જ સારી સ્થિતિ છે.
દક્ષિણ પૂર્વીય અરબ સમુદ્રમાં પણ વાદળો જમા થઈ રહ્યા છે.આ સંજોગોમાં ચોમાસાને કેરળમા પહોંચવાની પરિસ્થિતિ સારી છે. આવતા બે-ત્રણ દિવસમાં પરિસ્થિતિમાં વધુ સુધારો શકય છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચોમાસુ 7મીએ કેરળ પહોંચે તો પણ સામાન્ય સમય કરતાં એક સપ્તાહ મોડુ પડશે.જોકે મોડા ચોમાસાથી ચિંતા કરવાની જરૂર ન હોવાનો સ્પષ્ટ દાવો કરતા સુત્રોએ એમ કહ્યું કે 2019 માં ચોમાસુ 8મી જુને આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાને વેરવિખેર કરતી અલ-નીનો ઉદભવવાનું જોખમ હોવા છતાં નૈઋત્ય ચોમાસુ નોર્મલ જ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
છેલ્લા ત્રણ વર્ષથી લા-નીના સિસ્ટમ હતી અને તેને કારણે ચોમાસામાં વરસાદ નોર્મલ રહ્યા હતા. અલ-નીનો ચોમાસુ ખોરવી નાખે છે. અને આ વર્ષે તેના ઉદભવનું જોખમ છે. ચોમાસુ નબળુ રહેવાના સંજોગોમાં ભારતને ખેત ઉત્પાદનથી માંડીને અર્થ વ્યવસ્થા સુધીના તમામ ક્ષેત્રોમાં ફટકો પડી શકે છે. દેશમાં સરેરાશ વરસાદ 90 ટકાથી ઓછો થવાના સંજોગોમાં ખાદ્ય ગણાય છે. ભારતમાં સરેરાશ 87 સેમી વરસાદ થતો હોય છે.






