પોતાના પર લાગેલા આરોપો પર ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું છે કે, “તમામ મામલા કોર્ટ સમક્ષ છે. સરકારે પણ ખાતરી આપી છે કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ થવા દો મને નથી લાગતું કે મારે હવે કંઈક કહેવું જોઈએ.” બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ SITએ લગભગ 208 લોકોના નિવેદન નોંધ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદનમાં બ્રિજ ભૂષણના સાથીદારો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને તેમના વર્તન વિશે પૂછવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસ આ અઠવાડિયે જ કોર્ટમાં બંને કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પહેલા ફાઈલ કરવાનો હતો, પરંતુ કેટલાક વધુ લોકોના નિવેદનની રાહ જોવાઈ રહી છે જે આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની તપાસ હવે લગભગ પૂરી થઈ ગઈ છે.
કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, જેમાં સાત ફરિયાદીઓમાંથી એક સગીર રેસલર દ્વારા બ્રિજ ભૂષણ શરણ વિરુદ્ધ POCSOમાં ફરિયાદ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. પીડિતાએ બાદમાં FIR પાછી ખેંચી લીધી અને તેના પિતાએ કહ્યું કે તેણે ગુસ્સામાં આવું કર્યું. હવે પોતાનું નિવેદન બદલીને પીડિતાએ રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.





