લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને અગાઉ પણ તેઓ ગુજરાત પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષની ભૂમિકામાં રહી ચૂક્યા છે.
મહત્વનું છે કે, શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી.
શક્તિસિંહ ગોહિલ હાલમાં ભારતની રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ દિલ્હીના પ્રભારી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષોનું નેતૃત્વ 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કર્યું હતું.


