ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું છે પરંતુ તેની આફ્ટરઇફેક્ટસનો ખતરો હજી ટળ્યો નથી. ભૂકંપ પછી જેમ આફ્ટરશોક્સ આવતા હોય છે તેમ વાવાઝોડા પછી ભારે વરસાદ ભારે પવન સાથે ફૂંકાતો હોય છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડું રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાની દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ પવનની ઝડપ 55 કિલોમીટર સુધીની રહેતી હોય છે. ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે



