કચ્છના જખૌ પોર્ટ નજીક ગઈકાલે રાત્રે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું હાલ જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે. આ તરફ હવે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.ગઇકાલ સાંજથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
IMD દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ આજે એટલે કે, 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
વાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું છે કે, આજે ઉ.ગુજરાત અને દ.ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. વાવાઝોડું નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મ થયાં બાદમાં ડિપ્રેશન બની પૂર્ણ થશે. વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે.
આ સાથે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના યથાવત છે.




