છેલ્લા 10 દિવસથી સમુદ્રમાં રહેલા અને સૌરાષ્ટ્ર-કચ્છ અને સમગ્ર ગુજરાત માટે ચિંતા સર્જનાર વાવાઝોડા બિપરજોયનો ગઈકાલે જખૌ બંદર પર લેન્ડફોલનો પ્રારંભ થતા જ દહેશત જેવો માહોલ સર્જાઈ ગયો હતો. રાત્રીના 11.30 કલાકે વાવાઝોડાની ‘આંખ’ લેન્ડફોલ થતા જ પવનની ગતિ 125 કી.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી. રાત્રીના 1.30 એ ઉતર-પુર્વમાં રાજસ્થાન ભણી ફંટાયું છે
ભારે તબાહીની આશંકા વચ્ચે પુર્વ તૈયારી અને સલામતના પગલા લેવાયા હોવાથી વાવાઝોડાની જાનહાની અત્યંત ઓછી રાખવામાં સફળતા મળી છે. ભાવનગર જીલ્લામાં બકરીઓને બચાવવા જતા પિતા-પુત્ર પાણીમાં ફસાતા તેઓના મોત થયા હતા પણ વાવાઝોડાની તીવ્ર ઝડપથી વિજ થાંભલા પડી જતા 1000થી વધુ ગ્રામીણ ક્ષેત્રોમાં અંધારપટ છવાઈ ગયા હતા તો માર્ગો પર હજારો વૃક્ષો પડી જવાથી માર્ગવ્યવહાર પર અસર થઈ છે. વાવાઝોડા બિપોરજોયના લેન્ડફોલ સાથે જ સમુદ્રમાં પણ તોફાનીમાંથી ઉછળવા લાગ્યા હતા તથા અનેક સ્થળોએ દરિયાના પાણી કિનારાના ક્ષેત્રોમાં ઘુસી ગયા હતા પણ અગાઉથીજ કાંઠાળ ક્ષેત્રના લોકોને સલામત સ્થળે ખસેડાયા હોવાથી જાનહાની નિવારી શકાય હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડા બિપરજોયની લેન્ડફોલ સમયે ગતિ 115-125 કીમી પ્રતિ કલાકની રહી હતી અને તે મધદ્યમાં એક તબકકે 140 કીમી પ્રતિ કલાકની થઈ હતી અને કચ્છ, દ્વારીકા, પોરબંદર સહિતના જીલ્લાઓમાં ભારે વિનાશની જે શકયતા હતી જો કે આ અસર ઓછી રહી હતી પણ સૌરાષ્ટ્ર-કચ્છના આઠ જીલ્લામાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
વાવાઝોડુ બિપરજોયનું લેન્ડફોલ રાત્રીના 1.30 વાગ્યે પુરુ થયા બાદ પણ વાવાઝોડું નબળું પડીને ઉતરપુર્વમાં રાજસ્થાન ભણી ચાલ્યું ગયું છે. જો કે તેની અસર હેઠળ કચ્છમાં ભારે વરસાદ ચાલુ છે અને આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે.
મુખ્યમંત્રીએ વાવાઝોડાની સમીક્ષા કરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 વાગ્યે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરી હતી. મળતી માહિતી મુજબ આ બેઠક બાદ વાવાઝોડાની તમામ ગતિવિધિઓ અંગે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. આગામી 48 કલાકમાં હવાઈ નિરીક્ષણ કરી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવી શકે છે. ભુજ સ્થિત કંટ્રોલ રૂમ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, એનડીઆરએફના જવાનો અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી થયેલ અસરોની સમીક્ષા કરાઇ હતી.




