ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં ચોમાસું આગળ વધ્યું છે. IMD આગાહી કરી છે કે, આગામી 5 દિવસ સુધી ભારતના પૂર્વ, મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમમાં ચોમાસાનો વરસાદ પડશે આ દરમિયાન યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે.હવામાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાનો વરસાદ પડશે.
આસામમાં વરસાદી માહોલ જાહેર છે, જેના કારણે બ્રહ્મપુત્રા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. લાખો લોકોને અસર થઈ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશની નદીઓમાં પાણીનો પ્રવાહ તેજ છે. પ્રવાસીઓને આગામી કેટલાક દિવસો સુધી હિમાચલ ન જવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ જામ થઈ રહ્યા છે, પાણીના ઝડપી પ્રવાહને કારણે ધોવાણ થઈ રહ્યું છે.
બિહારમાં ઓછા વરસાદનો 122 વર્ષનો રેકોર્ડ તૂટી શકે
બિહારમાં જૂન મહિનામાં ઓછા વરસાદનો 122 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. હવે જૂન પુરો થવામાં માત્ર 2 દિવસ બાકી છે, પરંતુ રાજ્યમાં માત્ર 28.6 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પાસે 1901 થી ડેટા ઉપલબ્ધ છે, જે મુજબ બિહારમાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ 1926માં 41.1 મીમી હતો. જો કે રાહતના સમાચાર આપતા IMDએ કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.






