વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની જોરદાર હિમાયત કરી હતી. તેમણે સવાલ પૂછ્યો કે ‘ડબલ સિસ્ટમ સાથે દેશ કેવી રીતે ચાલશે?’ અને કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કહ્યું ‘અમે જોઈ રહ્યા છીએ કે યુનિફોર્મ સિવિલ કોડના નામે લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. જો ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું તે કુટુંબને ચલાવી શકશે? તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? આપણે યાદ રાખવું પડશે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.
તેમણે કહ્યું આ લોકો વિપક્ષ અમારા પર આરોપ લગાવે છે પરંતુ હકીકત એ છે કે તેઓ મુસ્લિમો, મુસ્લિમો કરે છે. જો તેઓ ખરેખર મુસ્લિમોના હિતમાં કામ કરતા હોત તો મુસ્લિમ પરિવારો શિક્ષણ અને નોકરીમાં પાછળ ન હોત. દેશના તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે વધી રહેલા હોબાળા વચ્ચે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદા સચિવ પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં UCC વિશે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.






