છેલ્લા 5 દિવસથી શરુ થયેલા ભારે વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં તો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજુ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
વીતેલા 24 કલાકમાં વિસાવદરમાં 15 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરાંત જામનગરમાં 11, અંજારમાં સાડા 9 ઈંચ વરસાદ પડ્યો છે. વીતેલા છેલ્લા 22 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં કપરાડામાં સાડા 9 ઈંચ, ખેરગામમાં 8 ઈંચ વરસાદ, ભેંસાણ અને બગસરા તાલુકામાં 8-8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકામાં 4થી 8 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે 38 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના 44 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સર્વત્ર મેઘરાજાની પધરામણી થતાં નદી નાળા છલકાઇ ઉઠ્યા છે. જળાશયોમાં પણ પાણીની નવી આવક થઇ છે.