વરસાદને પગલે કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ એમ કુલ સાત ડેમો ઓવર ફ્લો થયા છે. ગુજરાતના 206 ડેમો પૈકી કુલ 18 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ ઉપર છે, સંપૂર્ણ છલકાયા હોય તેવા સાત ડેમો પર હાઈએલર્ટ છે જ્યારે 80થી 90 ટકા ડેમો છલકાયા હોય તેવા બે જળાશય પર એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તે નવ ડેમો ઉપર વોર્નિંગ અપાઈ છે.
સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને 41.30 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 53.14 ટકા જળસંગ્રહ છે. કચ્છના 20 ડેમોમાં 49.75 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 47.10 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.19 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.73 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26.98 ટકા પાણી સંગ્રહાયેલો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 26.85 ટકા વાપરવા લાયક પાણીનો સંગ્રહ છે.