સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જુનાગઢ, જામનગર, કચ્છ સહીતનાં કેટલાંક ભાગોમાં વરસાદી તાંડવની હાલત યથાવત રહી છે.16 ઈંચ સુધીના ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. જેને પગલે એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી છે. માલ-મિલકતને નુકશાન વચ્ચે પાંચ લોકોનાં મોત નીપજયા છે.
સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ ગીર સોમનાથ તથા અમરેલી અને કચ્છમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો હતો. આ સિવાય ભેસાણમાં 8 ઈંચ વરસાદ હતો.અમરેલી જીલ્લો પણ નિશાન બન્યો હોય તેમ બગસરામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબકયો હતો. અમરેલીમાં પણ ધોધમાર પાંચ ઈંચ વરસાદ હતો.જુનાગઢ જીલ્લામાં આજે પણ વરસાદી તાંડવ ચાલુ રહ્યુ હોય તેમ સવારે 6 થી 8 માં ભેસાણમાં બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે. જુનાગઢ શહેરમાં સવા ઈંચ, માંગરોળમાં એક, ઈંચ વરસાદ હતો.