બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ રવિવારે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે એનાથી દેશ મજબૂત થશે અને પરસ્પર ભાઈચારો વધશે. એમણે કહ્યું કે એમની પાર્ટી સમાન નાગરિકધારાની વિરુદ્ધ નથી, પરંતુ એને લાગુ કરવાની ભાજપની રીતરસમો સાથે સંમત નથી.
માયાવતીએ કહ્યું કે ભારતમાં જુદા જુદા ધર્મોમાં માનનારા લોકો રહે છે. તેમનાં પોતપોતાનાં રીત-રિવાજો અને રહેણી-કરણી છે, જેને નજરઅંદાજ ન કરી શકાય. પરંતુ, બીજી બાજુ જોઈએ તો દેશમાં UCC લાગુ થાય તો દેશ મજબૂત બનશે. સાથે જ, લોકોમાં ભાઈચારાની ભાવના પણ જન્મશે. અમારી પાર્ટી એની વિરોધી નથી, પણ એને લાગુ કરવાની ભાજપની રીતરસમો સાથે સંમત નથી.એમણે કહ્યું કે બંધારણની કલમ 44માં UCC લાગુ કરવા માટે તો વર્ણન છે પણ તેને લાદવા માટે નહીં. તેના માટે જાગરૂકતા અને આમ-સંમતિ ઊભી થવી જ શ્રોષ્ઠ હશે. માયાવતીએ કહ્યું કે UCCના મુદ્દે પોલિટિક્સ કરવું યોગ્ય નથી. જો ભાજપ તેને યોગ્ય રીતે લાવશે તો અમે સાથે છીએ, નહીંતર અમે તેનો વિરોધ કરીશું. માયાવતીએ કહ્યું કે તેને લાગુ કરવામાં ભાજપનું સંકીર્ણ રાજકારણ વધારે જોવા મળે છે. એમાં ધાર્મિક પક્ષપાત ન થવો જોઈએ.
માયાવતીએ આગળ જણાવ્યું કે આ સમયે UCC કરતાં વધારે તો સરકારે માંઘવારી, ગરીબી, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતોના આધારે દેશવાસીઓનું દુઃખ વહેંચવા સંસાધનો અને ઊર્જો ખર્ચવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભાજપની કટ્ટર ટિકાકાર આમ આદમી પાર્ટી પણ સમાન નાગરિક સહિતાને શરતી સમર્થન આપી ચૂકી છે. જોકે તેણે પણ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યાં હતાં. ઉત્તરાખંડની ભાજપ સરકાર રાજ્યમાં સમાન નાગરિક સહિતા માટે ડ્રાફ્ટ તૈયાર કરી ચૂકી છે અને તે જલદી જ તેને અમલમાં મૂકવા માટે તૈયાર કરી રહી છે.