2023માં 6500 સુપર રિચ ઈન્ડિયન્સ બીજા દેશમાં સ્થાયી થઈ શકે
ભારતના ટેક્સ કાયદા, નાણા મોકલવા માટેના કડક નિયમ અને કેટલાક કારણોસર માઈગ્રેશન 2023માં લગભગ 6500 સુપર રિચ લોકો ભારત છોડે તેવી અપેક્ષા છે તેવું હેનલી પ્રાઇવેટ હેલ્થ માઇગ્રેશન રિપોર્ટમાં જણાવાયું છે. જો કે 2022ની સરખામણીએ સંખ્યા ઘટવાનો અંદાજ છે, 2022માં 7500 HNIsએ દેશ છોડયો હતો. આ રિપોર્ટ અનુસાર 10 લાખ ડોલર એટલે કે 8.2 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતાં આ ધનિકો દેશ છોડવાના મોરચે ચીન પછી બીજા ક્રમે આવે છે. ડિસેમ્બર 2021માં લોકસભામાં એક સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી 2015થી 21 સપ્ટેમ્બર 2021 વચ્ચે 8,81,254 લોકોએ પોતાનું ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું.
નોંધનીય છે કે પાછલા વર્ષે 2022માં 7500 કરોડપતિઓએ ભારત છોડયું હતું. નિષ્ણાતો અનુસાર ભારતના ટેક્સ કાયદા, બહાર નાણા મોકલવા માટેના કડક નિયમ અને અન્ય કેટલાક કારણોસર લોકો દેશ છોડી રહ્યા છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ અને ક્રિપ્ટો પર સરકાર તરફથી બનાવવામાં આવેલા નિયમો ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ જવાબદાર હોય છે. હેનલી એન્ડ પાર્ટનર્સના સીઇઓ જુએર્ગ સ્ટેફને જણાવ્યું હતું કે જ્યારે કરોડપતિઓ દેશ છોડી જતા હોય છે ત્યારે ઘણીવાર અધિકારીઓ માટે ચેતવણીનો એક સંકેત હોય છે.
દેશ છોડવાના મોરચે ચીનના ધનિકો વિશ્વમાં પ્રથમ ક્રમે
આ રિપોર્ટ અનુસાર 2023માં સૌથી વધારે નુકસાન ચીનને થઇ શકે છે. 2023માં ચીનના 13,500 એચએનઆઈ(હાઇ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સ) દેશ છોડી શકે છે. રિપોર્ટ અનુસાર ચીન દર વર્ષે સેંકડો સંખ્યામાં ધનિકોને ગુમાવી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં સમૃદ્ધિમાં વધારો ધીમો પડી ગયો છે. તેને પગલે ધનિકો દેશ છોડી રહ્યા હોવાથી અગાઉની તુલનાએ વધારે નુકસાન થઇ શકે છે. નોંધનીય છે કે ચીની કંપનીઓ પર અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા બજારોમાં પ્રતિબંધ છે. તેનો ઘેરો પ્રભાવ પડી શકે છે. આ રિપોર્ટ અનુસાર બ્રિટનને 3200 એચએનઆઈ અને રશિયાને 3000 એચએનઆઈનું નુકસાન થઇ શકે છે.
આ રિપોર્ટ અનુસાર દેશ છોડનારા મોટાભાગના ધનિક ભારતીયો દુબઇ અને સિંગાપોર જેવા દેશમાં જઇ શકે છે. દુબઇનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ અને તેના કર કાયદા તથા વ્યાપાર પ્રણાલી ભારતીય વ્યાપારીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે. ફોર્બ્સ અનુસાર અત્યાર સુધી ભારતીય ધનિકો માટે પોર્ટુગલ પસંદગીનું સ્થળ હતું.