રાજયભરમાં ચર્ચાસ્પદ બનેલા બોગસ બિલીંગકાંડના કૌભાંડો બહાર આવ્યા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર ડીવીઝનમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ટેકસ-ક્રેડીટનો લાભ લેવા માટે અંદાજે ૧૬૦૦ વેપારીઓ દ્વારા ૧પ૦૦ કરોડનાં બોગસ બિલ બનાવી આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન રાજકોટ ડિવિઝનમાં માત્ર કાગળ ઉપર ચાલતી પ૦ પેઢીનાં નામો મળી આવ્યા છે.
આ તમામ વિગતોનાં આધારે નોટીસો આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સહિત રાજયભરમાં ૧૬ મેથી શરૂ કરવામાં આવેલ બોગસ પેઢી ચકાસણી ઝુંબેશ અંગે જીએસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ ડીવીઝન હેઠળના શહેરો અને નગરોમાં ૭૦ હજાર જેટલા વેપારીઓમાંથી બેનીફિશીયરનો લાભ લેતા શંકાસ્પદ પેઢીઓનું સ્થળ, ડોકયુમેન્ટ અને હિસાબ-કિતાબની ચકાસણી દરમિયાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી ૧૬૦૦ વેપારીઓએ બોગસ બીલ બનાવી વ્યવહાર કર્યા હોવાની ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં વેપારીઓએ રાજકોટ ડિવિઝનમાંથી જ કરોડો રૂપિયાનો ચુનો ચાંપડી રહ્યા હોવાનું ખૂલ્યું હતું. એ જ રીતે રાજકોટ ડિવિઝનમાં પ૦ બોગસ પેઢીઓ મળી આવી હતી. જેનું અસ્તિત્વ માત્ર માગળ ઉપર હતું. સ્થળ તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ પેઢી નહી હોવાનું જાણવા મળ્યું હતું.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ૧૬૦૦ વેપારીમાંથી મોટાભાગના વેપારીઓએ ઓછામાં ઓછા ૧૦ લાખ અને વધુમાં વધુ ૩ કરોડના બોગસ બીલ બનાવ્યા છે. જીએસટી વિભાગની ટીમે આ તમામ પેઢીઓમાં બારીકાઈથી તપાસણી કરી બોગસ બીલનું મસમોટું કૌભાંડ ઝડપી લીધું હતું.
આ તમામ વેપારીઓને એક મહિનાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો એક મહિનામાં જીએસટીએ કાઢેલી રિકવરી નહી ભરપાઈ કરવામાં આવે તો આ તમામ વેપારીઓના જીએસટી નંબર રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એડવાયઝરીમાં પણ ર૧૩૭ વેપારીઓ પાસેથી ૩.પ૬ કરોડની વસુલાત રિકવરી કાઢવામાં આવી છે. રાજયમાં કુલ ૧૧.૪૦ લાખ વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન રાજકોટ ડિવિઝનમાંથી ૧૦ ટકા જેટલા કિસ્સાઓમાં જીએસટી ચોરીનું કારસ્તાન ઝડપી લેવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનમાં ૭૦ હજાર વેપારીઓની આકરણી પૂરી કરી દેવામાં આવી છે. જો કે અમદાવાદ-સુરત જેવા મોટા શહેરોમાં હજુ ચકાસણી ચાલી રહી છે. જેમાં ૧પ જુલાઈ આસપાસ ચેકીંગ ઝુંબેશ પુરી કરવામાં આવનાર છે.