એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ઈન્ડિયા ‘એ’ ટીમની જાહેરાત કરી છે. જાહેર થયેલી ટીમમાં પોરબંદરના ઑલરાઉન્ડર યુવરાજસિંહ ડોડિયા અને સૌરાષ્ટ્ર ટીમમાં વિકેટકિપર-બેટર તરીકેની ભૂમિકા ભજવતા રાજકોટના સ્નેલ પટેલની પસંદગી કરવામાં આવી છે. ટીમના કોચ તરીકે રાજકોટના જ સીતાંશુ કોટકની પસંદગી થતાં એકંદરે સૌરાષ્ટ્રના ત્રણ ક્રિકેટર-કોચ ટીમમાં સામેલ થતા ગૌરવમાં વધુ એક પીછું ઉમેરાયું છે.
આ ટીમની કમાન યશ ઢુલને સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે અભિષેક શર્મા જવાબદારી વહન કરશે. ઈમર્જિંગ એશિયા કપમાં ભાગ લેનારી ટીમમાં આઈપીએલ-2023ના ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ વતી ફાંકડી ફટકાબાજી કરનારા સ્ટાર સાઈ સુદર્શનને પણ આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત ‘એ’ અને પાકિસ્તાન ‘એ’ વચ્ચે મુકાબલો કોલંબો (શ્રીલંકા)ના એસએસસી ગ્રાઉન્ડ ઉપર 15 જૂલાઈએ રમાશે.
જુનિયર ક્રિકેટ કમિટીએ શ્રીલંકાના કોલંબોમાં 13થી 23 જૂલાઈ વચ્ચે રમાનારી આગામી એસીસી મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ભારત ‘એ’ ટીમની પસંદગી કરી હતી. આ ટૂર્નામેન્ટ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ઉપરાંત નેપાળ, અફઘાનિસ્તાન, ઓમાન, યુએઈ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ વન-ડે સ્ટાઈલ મતલબ કે 50 ઓવરનું રહેશે.
ભારત ‘એ’ને ગ્રુપ ‘બી’માં નેપાળ, યુએઈ અને પાકિસ્તાન ‘એ’ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા ‘એ’, બાંગ્લાદેશ ‘એ’, અફઘાનિસ્તાન ‘એ’ અને ઓમાન ‘એ’ને ગ્રુપ ‘એ’માં સામેલ કરાયું છે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. પહેલો સેમિફાઈનલ ગ્રુપ ‘એ’ના ટોચપર અને ગ્રુપ ‘બી’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે જ્યારે બીજો સેમિફાઈનલ 21 જૂલાઈએ ગ્રુપ ‘બી’ના ટોપર અને ગ્રુપ ‘એ’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 22 જૂલાઈએ રમાશે.