ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાયર મેચ ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે. ચાહકોને રોજેરોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. શ્રીલંકા ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગયું છે. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમે ક્વોલિફાયરના પ્રથમ રાઉન્ડમાં તેની તમામ ચાર મેચ જીતી લીધી હતી, પરંતુ ટીમ સુપર સિક્સમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને સતત બે મેચ હારીને ODI વર્લ્ડ 2023ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 9 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. છેલ્લા સ્થાન માટે નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે જંગ છે. વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે બંને ટીમો માટે શું સમીકરણો છે?
ODI વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે આ ટીમો વચ્ચે રેસ
સ્કોટલેન્ડના બોલરોએ ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કર્યું અને ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું. આ જીત સાથે સ્કોટલેન્ડ માટે ODI વર્લ્ડ કપ 2023ના દરવાજા ખુલી ગયા છે. સ્કોટલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સેસ રાઉન્ડમાં ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલ પર છ પોઈન્ટ અને પ્લસ 0.296 રન રેટ સાથે બીજા સ્થાને છે. નેધરલેન્ડ અત્યારે ક્વોલિફાયરમાં ચોથા નંબર પર છે. ટીમના 4 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે અને તેનો ઓવર રન રેટ માઇનસ 0.042 છે.
સ્કોટલેન્ડ માટે છે આ સમીકરણ
ODI વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયરમાં નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે 6 જુલાઈએ મેચ રમાશે. સ્કોટલેન્ડને ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે નેધરલેન્ડ સામે માત્ર જીતની જરૂર છે. આ કિસ્સામાં, તેને 8 પોઈન્ટ મળશે અને તે બીજા સ્થાને ક્વોલિફાય થશે, કારણ કે તેનો રન રેટ પહેલાથી જ પ્લસમાં છે.
નેધરલેન્ડે આ કામ કરવું પડશે
જો નેધરલેન્ડ આ મેચમાં સ્કોટલેન્ડને હરાવશે તો ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડના 6 પોઈન્ટ થઈ જશે. ત્યારે મામલો રેટ રન રેટમાં અટવાઈ શકે છે. આ કારણોસર નેધરલેન્ડે સ્કોટલેન્ડ સામેની મેચ 32 રનના મોટા માર્જિનથી જીતવી પડશે. જ્યારે, જો સ્કોટિશ ટીમ પ્રથમ બેટિંગ કરીને લક્ષ્ય નક્કી કરે છે, તો નેધરલેન્ડ્સે 44.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરવો પડશે. ત્યાર બાદ જ ટીમ 2023ના ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકશે.