આલ્કોક ફરી શરૂ થાય તો ૨૦૦૦ લોકોને મળી શકે છે રોજગારી
ભાવનગર, તા.૫
ભાવનગર શહેરના જુના બંદર દરિયા કિનારે ૧૯૭૫થી શરૂ થયેલી અને ચાર દાયકા સુધી ધમધમી ૨૦૧૮માં બંધ થયેલી આલ્કોક એશડાઉન કંપની ફરી શરૂ થવાની ઉજળી આશા જન્મી છે. આ કંપનીને શરૂ કરવા રાજ્યની બે કંપનીઓએ રસ દાખવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જો આ કંપની શરૂ થાય તો 2000 લોકોને રોજગારી મળી શકે છે.
ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલી રાજ્ય સરકાર હસ્તકની અર્ધ સરકારી કંપની આલ્કોક એશડાઉન કંપની કે શિપ બનાવવનુ કામ કરતી અને સતત ચાર દાયકા સુધીમા 275 જેટલા શિપ તૈયાર કરવામાં આવ્યા અને 2018માં આ કંપની ઉપર પડદો પાડી દેવામાં આવ્યો હતો ત્યારે તેના કર્મચારીઓ તથા આગેવાનો દ્વારા દેકારા પણ કરવામાં આવ્યા હતા.
1975માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી આલ્કોક એશડાઉનને 1978માં રાજ્ય સરકાર હસ્તક શરૂ કરવામાં આવેલ ત્યારબાદ 1994માં તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું 2018માં આ કંપની બંધ કરી દેવામાં આવી હતી અને તાળા મારી લેવાયા હતા. ભાવનગરમાં શિપ બિલ્ડીંગ માટે અનુકૂળ જગ્યા અને વાતાવરણ પણ હોય ત્યારે ભાવનગરના જ પનોતા પુત્ર અને દેશના શિપીગ મંત્રી બનેલા ડો.મનસુખભાઇ માંડવીયાએ શિપ બિલ્ડીંગનુ કામ ફરી શરૂ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરેલ અને ત્યારબાદ થોડા સમય પુર્વે આલ્કોક માટે ટેન્ડર પ્રકીયા કરવાની જાહેરખબર પ્રસિદ્ધ કરાયેલ તેમાં પોરબંદર અને કચ્છની કંપનીઓએ આલ્કોકને ફરી શરૂ કરવા રસ દાખવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે સ્થાનિક લેવલે હજુ સુધી આ અંગેનો રિપોર્ટ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. જો અને તો ની વચ્ચે છેલ્લા 6 વર્ષથી બંધ પડેલી આલ્કોક એશડાઉન કંપની ફરી શરૂ થાય તો અનેક ક્ષેત્રે ધંધા રોજગાર વધવા ઉપરાંત 2 હજારથી વધુ લોકોને રોજગારી પણ મળી શકે છે.