ભાવનગર તા.૫
ભાવનગર મહાપાલિકાના ડ્રેનેજ વિભાગના બોક્સ ડ્રેઇન બનાવવાના કામના ટેન્ડરમાં કામનો કોન્ટ્રાકટ મેળવવા માટે અનુભવના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવાની ઘટનામાં અગાઉ બે એજન્સીઓને મહાનગરપાલિકા દ્વારા બ્લેક લિસ્ટમાં મુકવામાં આવ્યા બાદ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા બન્ને એજન્સીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સિંધુનગર સ્મશાન પાસેથી કંસારા નાળા સુધી બોક્સ ડ્રેઇન બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હોય, આ કામ માટે ઇજારદારો પાસેથી ઓનલાઈન ટેન્ડરથી ભાવો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ચાર ઇજારદારોએ ભાગ લીધો હતો અને ટેકનિકલી ક્વોલીફાઇ થવા માટે જરૂરી ટેન્ડર ફી,ઇ.એમ.ડી. તેમજ અનુભવના જરૂરી આધાર પુરાવાઓ રજૂ કર્યા હતા. આ ટેન્ડરની ચકાસણી ગત તા. ૧૭/૧૧/૨૦૨૨ ના રોજ ટેન્ડર કમિટી દ્વારા કરવામાં આવતા ચાર ઇજારદાર પૈકીના મેં. ગુજરાત એન્ટરપ્રાઇઝ,ગીંગાણી,તા. જામજાેધપુર, જિ. જામનગર અને મેં. માધવ એન્ટરપ્રાઇઝ, પટેલ મિલ પાસે, વાવ તા. જામજાેધપુર જિ. જામનગર પ્રિ-ક્વોલિફાઇડ થયેલ હોય તેઓના ઓનલાઈન ભાવો ખોલવામાં આવનાર હતા તે પહેલા અનુભવના દસ્તાવેજની સંબંધિત સરકારી કચેરી પાસેથી ખરાઈ કરવા માટે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ અંગે જામજાેધપુર નગરપાલિકા તથા અમરેલી ઇરીગેશન ડિવિઝન દ્વારા પ્રત્યુતર રૂપે જણાવાયું હતું કે, સંબંધિત એજન્સીઓ દ્વારા તેમની કચેરી મારફત કોઈ કામ કરેલ નથી અને આ માટે આપવાનું થતું ફોર્મ ૩/એ ઇસ્યુ કરવામાં આવેલ નથી. આથી આ બંને એજન્સીઓએ તેમના અનુભવના સર્ટિફિકેટ ખોટી રીતે તૈયાર કરી જામજાેધપુર નગરપાલિકા અને અમરેલી ઇરીગેશન ડિવિઝનના સક્ષમ અધિકારીની ખોટી સહી અને સિક્કા કરીને ટેન્ડરમાં રજૂ કર્યાનું ફલિત થયું હતું. આ ઉપરાંત આ બંને એજન્સીઓ દ્વારા ઇ.એમ.ડી. ની રકમ રૂ. ૬૮,૦૦૦ બીડ ખોલવામાં આવ્યાની તારીખ પહેલાના સમયમાં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી વટાવી લઈ ભાવનગર મહાનગરપાલિકા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા બંને એજન્સીઓને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર કાનજીભાઈ સવશીભાઈ ઝાપડિયાએ બંને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.