ભાવનગર, તા.૫
ભાવનગર મહાપાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી કરોડોના ખર્ચે વિકાસ પામેલ ગંગાજળીયા તળાવ, સરદારબાગ (પીલગાર્ડન) જેવી અનેક ઐતિહાસિક ઇમારતોના જાળવણી અને નિભાવ માટે લાખોનો ખર્ચ થઇ રહ્યો છે. બીજી બાજુ આર્થિક ઉપાર્જન માટેનું આયોજન ધુળધાણી થયેલું સ્પષ્ટ દેખાય છે. ગંગાજળીયા તળાવને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવ્યું પરંતુ કોઇ પ્રવાસી કે મુલાકાતી ડોકાતું શુધ્ધા નથી કારણ કે લોકોને આકર્ષે તેવી કોઇ બાબત જ નથી ! બીજી બાજુ ગંગાજળીયા તળાવને સ્વચ્છ રાખવા લાખોનો ખર્ચ થઇ રહ્યો છે.
તળાવના પાણીમાં જંગલી વનસ્પતિ જેવું ઘાસ ઉગી નીકળતા લગભગ ૩-૪ મહિના પૂર્વે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપી રૂા.૪.૫૦ લાખના ખર્ચે સફાઇ કરાવી હતી ત્યાં ફરી પાછુ ઘાસ ઉગી નીકળતા અને સમગ્ર તળાવના પાણીમાં છવાઇ જતા તેની સફાઇ માટે ફરીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે જેમાં પણ લાખો રૂપિયા ખર્ચાશે. આમ, કરોડોના ખર્ચે ગંગાજળીયા તળાવના વિકાસ પછી પણ નગરજનો તો મુલાકાતે આવતા નથી પરંતુ લાખોનો ખર્ચ થઇ રહ્યો છે.
લાખોના ખર્ચ પછી સફાઇ માટેનું મશીન વસાવવા કોર્પોરેશનનું મન માન્યું !
ભાવનગર મહાપાલિકા હસ્તક ગૌરીશંકર સરોવર- બોરતળાવ, ગંગાજળીયા તળાવ, રૂવા રવેચી ધામનું તળાવ સહિતના મોટા જળાશયો આવેલા છે જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે તેમાં ઉગી નીકળતા ઘાસને નાથવા મહાપાલિકા દ્વારા ડી વિડર મશીન ખરીદવા આયોજન હાથ ધરાયું છે. સરકારમાંથી ગ્રાન્ટ મળ્યેથી આ સુવિધા વસાવાશે તેમ ગાર્ડન વિભાગના સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું હતું.