ભાવનગર, તા.૬
છેલ્લા ચાર દિવસના વિરામ બાદ ગત મોડી રાત્રે મેઘાએ ગોહિલવાડ પંથકમાં એન્ટ્રી કરી હતી. અને વહેલી પરોઢે તો ધમાકેદાર ઇનિંગ રમ્યા હોય તેમ સર્વત્ર ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં ભાવનગર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડી જતા વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી જવા પામી છે.
ગત અઠવાડિયે સમગ્ર સત્તા દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લામાં સર્વત્ર હળવો ભારે વરસાદ પડ્યા બાદ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જેના કારણે તાપમાનમાં પણ જબ્બર વધારો થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ ફરી હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું અને વહેલી પરોઢે તો ધોધમાર વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં વહેલી સવારે ચાર થી છ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડી જતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત સિહોર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો જેના લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા ઉપરાંત રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.
ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં જોરદાર પોણા ત્રણ ઇચ તથા વલભીપુર પંથકમાં પણ ધોધમાર બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ઘોઘા, તળાજા, પાલીતાણા તથા જેસર પંથકમાં અડધાથી સવા ઇચ સુધીનો વરસાદ પડ્યો હતો અને મહુવા પંથકમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. સમગ્ર ગોહિલવાડમા વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના પગલે ચેકડેમો, નદી, તલાવડા સહિત જળાશયોમાં પાણીની આવક વધવા પામી છે.
છેલ્લા ચાર દિવસના વરાપ બાદ ફરી ખેતીને ફાયદો થાય તેવો વરસાદ પડતા જિલ્લા ભરમાં ધરતીપુત્રોમા ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી નિકળેલા વરાપના કારણે ગરમીમાં અસહ્ય વધારો થવા પામ્યો હતો જેમા વરસાદ પડતાં લોકોને રાહત થવા પામી છે.