પાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા DRDO વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે 30 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પ્રદીપ કુરુલકરે ભારતના મિસાઈલ, ડ્રોન અને રોબોટિક્સ પ્રોગ્રામ્સ સંબંધિત માહિતી પાકિસ્તાની મહિલા ઈન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે શેર કરી હતી.
ચાર્જશીટ મુજબ, પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા. આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા. ખરેખર તો ઝારા દાસગુપ્તાના નામથી આઈડી બનાવીને પ્રદીપ સાથે જોડાનાર પાકિસ્તાન એજન્ટે કહ્યું હતું કે તે બ્રિટનમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આટલું જ નહીં ઝારાએ પ્રદીપ સાથે મિત્રતા કરી અને બ્રહ્મોસ લૉન્ચર, અગ્નિ મિસાઇલ લૉન્ચર અને મિલિટરી બિડિંગ સિસ્ટમ, ડ્રોન્સ, UCV અને અન્ય વસ્તુઓ વિશે માહિતી માંગી હતી. જે બાદ પ્રદીપે આ બધી માહિતી એકઠી કરી અને પાકિસ્તાની એજન્ટને મોકલી આપી.