પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. બંગાળમાં 8 જુલાઈના રોજ પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાને કારણે ચૂંટણી પંચે 10 જુલાઈએ 697 બૂથ પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. બંગાળમાં હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે.
સોમવારે રાત્રે કૂચબિહારના દિનહાટામાં મતદાન કેન્દ્રની બહાર ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે માહિતી આપી હતી.
મળતી માહિતી મુજબ બંગાળમાં પંચાયત ચૂંટણીના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે. શનિવારે જ ટીએમસીના 11 કાર્યકરો માર્યા ગયા હતા. આ ઉપરાંત ભાજપના ત્રણ, કોંગ્રેસના ત્રણ, સીપીઆઈએમના બે કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. હિંસાની આ ઘટનાઓ મુર્શિદાબાદ, કૂચ બિહાર, પૂર્વ બર્દવાન, માલદા, નાદિયા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણામાં બની હતી.