એક તરફ યમુનાના પાણીએ દિલ્હીને તબાહ કરી દીધુ છે અને હજુ આગામી દિવસોમાં દિલ્હીમાં વરસાદની આગાહી છે તેના કારણે પુરની સ્થિતિ બની રહેશે તેવા સંકેત છે તો હવે બીજી તરફ ગંગા પણ હવે તબાહી મચાવવા તૈયાર હોવાના અહેવાલ છે. ગંગાના મેદાની અને પહાડી ક્ષેત્રમાં ભારે વરસાદની અસર દેખાવા લાગી છે. ઉતરપ્રદેશના કાનપુરમાં છેલ્લા બે દિવસથી ગંગામાં પાણી વધવા લાગ્યુ છે. ગઈકાલે સાંજે થોડું ઘટવાના સંકેત હતા પણ ફરી રાજયની ગંગામાં પાણીનો ઉમેરો શરૂ થયો છે.
ગંગા પરના અહીના હરિદ્વાર બેરાજમાંથી 1.32 લાખ નૌરેરા બેરાજમાં 1.45 લાખ અને કાનપુર બૈરાજમાં 1 લાખ કયુસેક પાણી છોડવાની ફરજ પડી હતી તો બીજી તરફ પહાડી ક્ષેત્રમાં ભારે વરસાદના પાણી ગંગા નદીમાં આવતા વારાણસી, મીર્ઝાપુર, બલિયા અને ગાજીપુરમાં ગંગાનું જળસ્તર વધવાનું શરૂ થઈ ગયું છે. કાનપુર શહેરના ગંગાના સરવૈયા ઘાટ પરના પાણી ઉંચે ચડતા માટીના મોટા ટીલ્લામાં ડુબવા લાગ્યા છે તથા નીચાણવાળા ક્ષેત્રમાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ફરૂખાબાદમાં વાવવાના ખેતરોમાં ગંગાના પાણી ફેલાવા લાગ્યા છે અને હવે આ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.