ભાવનગર, તા.૧૪
ભાવનગરની જીવાદોરી અને સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય શેત્રુંજી ડેમની સપાટી ધીમી છતા મક્કમ ગતિએ ઉંચે જઇ રહી છે. સિઝનના પ્રારંભે ૧૫.૧૦ ફૂટ રહેલી સપાટી આજે સવારે ૨૯.૦૬ ફૂટ નોંધાઇ હતી. સવારે ૬ વાગ્યે પાણીની આવક ૮૦૭ ક્યુસેક નોંધાઇ હતી જે બપોર સુધીમાં દસ ગણી વધીને ૮૧૧૭ ક્યુસેક થઇ હોવાનું સામે આવ્યું છે.
ગત રાત્રે અમરેલી પંથક તથા જેસર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો તેમજ ગારિયાધારના કેટલાક ગામોમાં પણ સારો એવો વરસાદ થતા શેત્રુંજી ડેમમાં પાણીની આવકનો આંક સડસડાટ ઉંચો થયો હતો. સવારે ૮૦૭ ક્યુસેક રહેલી પાણીની આવક બપોર પડતા દસ ગણી વધી ગઇ હતી અને સપાટી ૨૯.૦૮ ફૂટને પાર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.