વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત પુરી કરીને આજે અબુધાબી પહોંચી ગયા છે અને મોદીએ તેમના ફ્રાન્સથી રવાના થતા પુર્વે ટવીટ કરીને લખ્યું કે ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ મેક્રોની સાથેના સંબંધોની શ્રેણીબદ્ધ સમીક્ષા કર્યા બાદ ગ્રીન હાઈડ્રોજન, નવીનીકરણ ઉર્જા, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને સેમીકન્ડકટર સહિતના વિવિધ ક્ષેત્રમાં બંને દેશો સહયોગ કરશે. મોદીની બે દિવસની મુલાકાત દરમ્યાન ભારતીય નૌકાદળ માટે રાફેલ-ચી સહિતના સંરક્ષણ સોદા પણ કર્યા હતા.
મોદીએ પાસ્કલ કેમ્નિમાં ભારત અને ફ્રાન્સના સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો અને બંને દેશો વચ્ચે સંરક્ષણ કરારોમાં રાફેલ ઉપરાંત ભારતીય નૌકાદળ માટે અતિ આધુનિક સબમરીનો અને અન્ય સંરક્ષણ સોદા થયા હતા તો આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સમાં ભારત અને ફ્રાન્સ સાથે પહોંચશે તેવો સંકેત આપ્યો હતો. મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી મજબૂત કરવા માટે ફ્રાન્સના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ માટે આમંત્રીત કર્યા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની લાંબી શિખર મંત્રણામાં બંને રાષ્ટ્રવડાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સંબંધીત પણ ચર્ચા થઈ હતી અને તેમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિની સ્થાપના માટે ભારત તેનો સહયોગ આપવા માટે તૈયાર છે અને જે કાંઈ દ્વીપક્ષી પ્રશ્ર્નો હોય તે સાથે બેસીને ઉકેલવા જોઈએ. ભારત-અમેરિકા સહિતના દેશોના કવાડ સહયોગમાં ફ્રાન્સ સામેલ નહી હોવા છતાં પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં દક્ષિણ ચીન સાગરમાં ફ્રાન્સ અને ભારત સંયુક્ત રીતે સહયોગ કરશે તે સંકેત અપાયો હતો.
મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને સુખડની સિતાર ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ફ્રાન્સ યાત્રા સમયે રાષ્ટ્રપતિ મેક્રો તથા ફર્સ્ટ લેડી બ્રિગીટી મેક્રોને ખાસ ભેટ આપી હતી. તે ઉપરાંત વડાપ્રધાન એલીઝાબેથ અને ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રેસીડેન્ટ યાલે બેરુન સહિતના મહાનુભાવોને પણ ભેટ આપી હતી જેમાં સુખડની સિતારથી લઈને કાશ્મીરી કાર્પેટનો સમાવેશ થતો હતો.






