બહુચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી માં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બહુચરાજી ના એક કોમ્પલેક્ષમાં બે ઇસમો દુકાન કરી ઓરીજનલ માર્કશીટમાં છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા. મહેસાણા LCBને મળતા ટીમ દ્વારા સ્થળ પર રેડ કરી કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં ફરી એકવાર ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીથી આ કૌભાંડ સામે આવ્યું છે. વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના ઇસમો આ કૌભાંડમાં સામેલ હતા. જેમાં તેઓએ બહુચરાજી ખાતે આદિત્ય કોમ્પલેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાન કરી હતી. જેમાં ઇસમો ભેગા મળી પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા.
આ કાંડની બાતમી મહેસાણા LCBને મળી હતી. જેને લઈ મહેસાણા LCB PSI હરેશ જોશી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ ઇસમો ઓરીજનલ માર્કશીટમાં સુધારો-વધારો કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આપતા હતા. તપાસ મુજબ આ યુવકોએ 2 માસમાં 50 વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી હતી.
બહુચરાજી પંથકમાં અનેક કંપનીઓ આવેલ છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો નોકરી પણ કરે છે. જોકે આ કંપનીઓમાં પણ ITI-ડિપ્લોમા પાસ માંગતા હોય છે. જેથી આ ઇસમોએ અન્ય વ્યક્તિઓનો ઓરીજનલ માર્કશીટમાં છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ તૈયાર કરી હતી. જેથી હવે આવી ડુપ્લિકેટ માર્કશીટના કારણે અનેક લોકો નોકરીએ લાગી ગયાનું પણ સામે આવ્યું છે.
*1500 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી *
પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ઇસમોએ બે માસમાં 50 વિદ્યાર્થીઓને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ સાથે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટે ઇસમો 1500 રૂપિયા ચાર્જ લેતા હતા.





