દેશના વિરોધ પક્ષોના ટોચના નેતાઓ સોમવારથી બેંગલુરુમાં યોજાનારી બે દિવસીય એકતા બેઠકમાં જોડાશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવાની વ્યૂહરચના પર વિચાર વિમર્શ કરશે. આમ આદમી પાર્ટીની માંગ પર કોંગ્રેસની સહમતિ બાદ આ બેઠકમાં 26 પાર્ટીઓ સામેલ થવાની વિપક્ષી સૂત્રોને આશા છે. ગત મહિને 23 જૂને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આમંત્રણ પર પટનામાં વિપક્ષની બેઠકમાં માત્ર 15 પક્ષોએ હાજરી આપી હતી. સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજે કહ્યું કે બેંગલુરુમાં બે દિવસીય બેઠક ભાજપને હરાવવા અને દેશ અને લોકશાહીને બચાવવા માટે બિનસાંપ્રદાયિક વિરોધ પક્ષોના સંકલ્પને એક પગલું આગળ વધારશે.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉપરાંત એનસીપીના વડા શરદ પવાર, બંગાળના મમતા બેનર્જી, બિહારના નીતિશ કુમાર, તમિલનાડુના એમકે સ્ટાલિન, ઝારખંડના હેમંત સોરેન, દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ બેઠકમાં હાજર રહેશે.
આ બેઠક સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આયોજિત રાત્રિભોજન સાથે શરૂ થશે. મંગળવારે ઔપચારિક બેઠક યોજાશે, જેમાં મહાગઠબંધનની રૂપરેખા અને ભાવિ કાર્યક્રમો અંગે વિચારણા અને જાહેરાત કરી શકાશે.શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, આ એક નિર્ણાયક બેઠક હશે. અનેક મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે. તે જ સમયે, અન્ય એક નેતાએ કહ્યું કે, બેંગલુરુની બેઠક બાદ અમારા ટોચના નેતાઓ બીજેપી સામે આગળના પગલાની જાહેરાત કરશે. રાજ્યપાલોના માધ્યમથી વિપક્ષ શાસિત રાજ્યોની સરકારોને અસ્થિર કે અંકુશમાં રાખવાના ભાજપના ષડયંત્રનો પણ આ બેઠકમાં પર્દાફાશ થશે. વિપક્ષની બેઠક મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી એનસીપીમાં વિભાજન અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં ભારે હિંસાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ બંગાળમાં હિંસા માટે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.