હવે કેદારનાથ જતાં દર્શનાર્થીઓ મોબાઇલથી મંદિર પરિસરના ફોટો નહીં લઇ શકે. આ સાથે જ મંદિરમાં પણ ફોટો કે રિલ્સ નહીં બનાવી શકે. યાત્રિકો માટે કેદારનાથ બદ્રીનાથ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કેદારનાથ મંદિરનો કોઇ ફોટો લેશે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મંદિરના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાસ્તવમાં તાજેતરમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં વિવાદસ્પદ વીડિયો બનાવવાનો અને તેને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેદારનાથ મંદિરની અંદર પ્રવેશવા પહેલા મોબાઇલ ફોન બંધ કરી દેવાની સૂચના હતી. જોકે, હવે સમગ્ર મંદિર પરિસરમાં ફોટો કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરમાં ઠેર ઠેર તમે સીસીટીવીની નજરમાં છો તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા છે.
મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
એટલું જ નહીં, મંદિર સમિતિએ કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓને ધાર્મિક સંસ્કૃતિ અનુરૂપ વસ્ત્રો પહેરીને આવવા જણાવવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બદ્રીનાથ ધામથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.
તાજેતરમાં વીડિયો થયો હતો વાયરલ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક REELS વાયરલ થઈ હતી. જેમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી છે. વિશાખા નામની આ યુવતીએ તેના પ્રેમીને કહ્યા વગર જ ઘૂંટણ પર બેસીને વીંટી સાથે પ્રપોઝ કર્યું હતું. વીડિયો વાયરલ થતા જ એક વર્ગ તેના વિરોધમાં આવ્યો હતો. આ વીડિયો પછી જ કેદારનાથ મંદિર સમિતિએ સ્થાનિક પોલીસને રીલ અને યુટ્યુબ વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિસરમાં ફોન પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.