અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અમરનાથની યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહપુરા ખાતે આવેલી પીતાંબરની પોળમાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. તેઓ પહેલગામ ખાતે આવેલી એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને બે દિવસ પહેલા ઉલટી થતાં મિત્રો સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને બે વખત હાર્ટ એટેક આવ્યા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા, પરંતુ આજે આવેલો ત્રીજો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો. તેમનું હોસ્પિયલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
આ સમાચાર મળતાની સાથે પરિવારમાં માતમ છવાયું છે. તો ગણેશ કદમના આકસ્મિત અવસાનથી તેમના પત્નીને અને બાળકો નિરાધાર બન્યા છે. હાલ તેમના મૃતદેહને વડોદરા લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગઈકાલે પણ એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું, મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકા રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર પડતા મૃત્યુ નિપજ્યું હતું.
10 દિવસમાં આ ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ
1. ગણેશભાઈ કદમ (ફતેહપુરા, વડોદરા)
2. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત)
3. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
4. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા)