મણિપુર રાજ્યની બે મહિલાઓના નગ્ન પરેડ વીડિયો સામે આવ્યા બાદથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. આજે તમામના મોંઢે સવાલ છે કે આવું કોઇ મહિલાઓ સાથે કેવી રીતે કરી શકે. જોકે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ પણ જવાબદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે મહિલાઓને નગ્ર કરી પરેડ કરનાર મુખ્ય આરોપી પર લોકોનો ગુસ્સો ફૂંટ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ગુસ્સામાં આવી ટોળાએ ગુરુવારે મુખ્ય આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી.
મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. હિંસા વચ્ચે, બે મહિલાઓની નગ્ન પરેડ અને અમાનવીય રીતે તેમની છેડતીના વિરોધમાં લોકોનો ગુસ્સો આસમાને છે. મણિપુરના ચુરાચંદપુરમાં આદિવાસી મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા બાદ એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. મહિલાઓ સાથે જે અભદ્ર વર્તન કરનાર મુખ્ય આરોપી હુઇરેમ હેરોદાસ મેઇટીના ઘરને આગ લગાવી દીધી છે. તેટલું જ નહીં પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાનો આ મુખ્ય સુત્રધાર હવે તેમની પકડમાં આવી ગયો છે. ગત મોડી સાંજે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડની માહિતી આપી હતી. અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસ સતત દરોડા પાડી રહી છે.
સુપ્રીમ કોર્ટે સરકારને કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યું
આ મામલે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે સરકારને કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યું છે. ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટ પછી, રાષ્ટ્રીય મહિલા આયોગ, હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગએ આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગએ કહ્યું કે, ભીડ દ્વારા બે મહિલાઓના કથિત રીતે નગ્ન કરી પરેડ કરાવવાના મામલે તેમણે મણિપુર સરકાર અને રાજ્યના પોલીસ વડાને નોટિસ જારી કરી છે. એક નિવેદનમાં, NHRCએ જણાવ્યું હતું કે તે આવા “બર્બર ઘટનાઓ” થી નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને સમાજના નબળા વર્ગો માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે જાણવા માંગે છે.