ભાવનગર, તા.૨૧
ભાવનગર મહાપાલિકા પાસેથી સિંધુનગર સ્મશાન પાસે કંસારા નાળા સુધી બોક્સ ડ્રેઇન બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવવા મે. ગુજરાત એન્ટરપ્રાઇઝ અને મે. માધવ એન્ટરપ્રાઇઝ (જામજોધપુર)ના કોન્ટ્રાક્ટરોએ ચિફ ઓફિસર જામજોધપુર અને કાર્યપાલક ઇજનેર અમરેલી ઇરીગેશનના બનાવટી સિક્કા મારી સક્ષમ અધિકારીની ખોટી સહી કરી કોર્પોરેશનમાં ડોક્યુમેન્ટ સબમિટ કર્યાં હતાં જેની પોલ છતી થઇ જતા કમિશનરે બન્ને એજન્સીને બ્લેક લીસ્ટ કરી હતી. જ્યારે ડ્રેનેજ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં આરોપીઓએ ભાવનગરની ચોથા એડિશનલ સેસન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા તેને રદ્દ કરી દેવાઇ છે.