ભાવનગર, તા.૨૨
શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં ઇન્ડિયા હાઉસની બાજુમાં કોર્પોરેશનની લગત જમીન મેળવવા અનેક પ્રયાસો અને વિવાદ બાદ આખરે ચોક્કસ તત્વોના હાથ હેઠા પડ્યા છે. આ સરકારી જગ્યામાં આંગણવાડી નિર્માણ માટે હાથ ધરાયેલા પ્રયાસમાં પણ રોડા નાખવા પ્રયાસ થયો હતો પરંતુ કાનુની જંગ બાદ તેમાં પણ કોર્પોરેશનના પક્ષે ચુકાદો આવ્યો છે અને આજથી મહાપાલિકા દ્વારા ૨૫૦ ચો.મી.ના પ્લોટમાં આંગણવાડીનું બાંધકામ કરવા પાયા ગાળવા સહિતની ગતિવિધિ હાથ ધરી દેવાઇ હતી જેમાં આ વખતે પોલીસ બંદોબસ્ત પણ મેળવાયો નથી.
સરકારી જમીનને વિવાદમાં ઢસડી આ જમીન અન્ય કોઇ ખરીદે નહીં તે રીતે ષડયંત્ર થયું હતું અને ચોક્કસ વ્યક્તિની માંગણી મુજબના ભાવથી આ જમીન વેચી દેવા કોર્પોરેશનને મજબુર કરવા પ્રયાસ પણ થયો હતો પરંતુ તત્કાલીન સમયે આ પ્રકરણ અટકાવી દેવાયું હતું અને હાલમાં કમિશનર ઉપાધ્યાયના કાર્યકાળમાં હવે આ સ્થળે કોર્પોરેશનના અગાઉના આયોજન મુજબ આંગણવાડી નિર્માણ માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અઠવાડિયા પૂર્વે કોર્પોરેશનની ટીમ આંગણવાડી નિર્માણ માટે સ્થળ ઉપર જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો જેમાં ચોક્કસ ઇરાદો હોવાનું ચર્ચામાં આવ્યું હતું. બીજા દિવસે પોલીસના મોટા કાફલાને સાથે લઇ તંત્રએ કામગીરી હાથ ધરતા મામલો કોર્ટમાં લઇ જવાયો હતો. આમ, સ્થળ પરના વિરોધ બાદ કારી નહીં ફાવતા કાનુની જંગ પણ મંડાયો હતો પરંતુ આખરે કોર્ટે પણ મનાઇ હુકમ નહીં આપતા કોર્પોરેશનના પક્ષે વિજય રહ્યો હતો.
આમ, સ્થળ પર તેમજ કાનુની જંગમાં પણ વિરોધીઓને લપડાક મળતા સ્થાનિક રહિશોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આંગણવાડીના નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો હતો. આથી કમિશનરની સીધી સુચનાના પગલે આજે બિલ્ડીંગ વિભાગ દ્વારા ફરીથી આ સ્થળે આંગણવાડી નિર્માણ માટે આગળની કામગીરી હાથ ધરાઇ હતી. કોર્ટમાં લપડાક બાદ વિરોધીઓના હાથ હેઠા પડતા આખરે વિવાદ પણ સમી ગયો હોય તેમ આજે કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત વગર જ નૈતિક બળને આધારે કામગીરી હાથ ધરી હતી.